પટૌડી પરિવારની અંદાજિત રૂ.15,000 કરોડની ઐતિહાસિક મિલકતોનો કબજો મેળવવાની દિશામાં સરકાર એક પગલું આગળ વધી છે. એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે 2015માં આ મિલકતો પર લાદવામાં આવેલો સ્ટે ઉઠાવી લીધો છે. તેનાથી સરકાર માટે એનિમી પ્રોપર્ટી એક્ટ 1968 હેઠળ તેમનું સંપાદન કરવાનો માર્ગ મોકળો થયો છે.
તપાસ હેઠળની અગ્રણી મિલકતોમાં ફ્લેગ સ્ટાફ હાઉસનો સમાવેશ થાય છે, જ્યાં સૈફ અલી ખાને તેનું બાળપણ વિતાવ્યું હતું, બીજી પ્રોપર્ટીમાં નૂર-ઉસ-સબાહ પેલેસ, દાર-ઉસ-સલામ, હબીબીનો બંગલો, અમદાવાદ પેલેસ, કોહેફિઝા પ્રોપર્ટી અને અન્યનો સમાવેશ થાય છે.
જસ્ટિસ વિવેક અગ્રવાલે આદેશ સંભળાવતા કહ્યું હતું કે, સુધારેલો એનિમી પ્રોપર્ટી એક્ટ 2017 હેઠળ વૈધાનિક ઉપાય અસ્તિત્વમાં છે અને સંબંધિત પક્ષોને 30 દિવસની અંદર રજૂઆત કરવા માટે નિર્દેશ આપ્યો છે.”જો આજથી 30 દિવસની અંદર કોઈ રજૂઆત દાખલ કરવામાં આવે છે, તો અપીલ અધિકારી મર્યાદિત પાસાની વિચારણા કરશે અને તેની પોતાની યોગ્યતાઓ પર અપીલનો સામનો કરશે,” કોર્ટે કહ્યું.
એનિમી પ્રોપર્ટી એક્ટ હેઠળ કેન્દ્ર સરકારને વિભાજન પછી પાકિસ્તાનમાં સ્થળાંતર કરનાર વ્યક્તિઓની માલિકીની મિલકતોનો કબજો કરી શકે છે. ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાનને ત્રણ પુત્રીઓ હતી. તેમની સૌથી મોટી, આબિદા સુલતાન, 1950માં પાકિસ્તાનમાં જતી રહી હતી. બીજી પુત્રી, સાજીદા સુલતાન, ભારતમાં રહી હતી અને નવાબ ઈફ્તિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા અને કાનૂની વારસદાર બન્યા હતાં.
સાજીદાના પૌત્ર સૈફ અલી ખાનને મિલકતનો હિસ્સો વારસામાં મળ્યો હતો. જો કે, આબિદા સુલતાનનું સ્થળાંતરને કારણે સરકાર તેના પર દાવો કરી રહી છે. 2019માં અદાલતે સાજીદા સુલતાનને કાનૂની વારસદાર તરીકે માન્યતા આપી હતી, પરંતુ તાજેતરના ચુકાદાએ પરિવારના મિલકત વિવાદને ફરીથી જાગૃત કર્યો હતો.
ભોપાલના કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે છેલ્લા 72 વર્ષોમાં આ મિલકતોના માલિકીના રેકોર્ડની તપાસ કરવાની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ જમીનો પર રહેતા વ્યક્તિઓને રાજ્યના લીઝિંગ કાયદા હેઠળ ભાડૂત તરીકે ગણવામાં આવે છે.